સરકારની આઈટી પોલિસી જાહેર:સુરતને આઈટી પાર્ક મળવાનો રસ્તો મોકળો, 25 હજારને રોજગાર

ગુજરાત સરકારે આઈટી પોલિસી જાહેર કરી છે, જેનો મોટો લાભ સુરતને થશે. સુરતમાં આઈટી પાર્ક બનવા માટેનો માર્ગ મોકળો થયો છે. જેથી સુરતના આઈટી સેકટરમાં 25 હજાર નવી રોજગારની તકો ઉભી થશે. શહેરમાં હાલ 2 હજાર આઈટી કંપની છે, જેમાં અંદાજે 1 લાખથી વધુ લોકોએ રોજગાર મેળવ્યો છે. હયાત અથવા નવી આઈટી કંપનીઓને વિજળી બીલમાં રાહત આપી છે. આ ઉપરાંત આઈટી પ્રોફેશનલ અને ગુજરાતના કોઈ પણ સ્નાતક વિદ્યાર્થી માટે સ્કિલ ડેવલપમેન્ટ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અંતર્ગત કોર્સ માટે સરકાર મહત્તમ 50 હજાર અથવા કોર્સ ફીના 50 ટકા સુધી જે ઓછું હશે તે સહાય કરશે.

કોઈપણ સ્નાતક વિદ્યાર્થીને સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ માટે 50 હજારની સહાય કરાશે

શહેરની ગેમિંગ કંપનીને લાભ : શહેરમાં 700 ગેમિંગ કંપની છે. સરકારે જાહેરાત કરી છે કે, આઈટી કંપનીને પેટન્ટ માટે સરકાર 5 વર્ષ સુધીમાં એક કંપનીને 10 પેટન્ટ માટે દરેક પેટન્ટ માટે 5 લાખ સુધીની સહાય કરશે. શહેરની ગેમિંગ કંપનીઓ હવે સરળતાથી પેટન્ટ કરાવી શકશે.

હીરા-કાપડ ક્ષેત્રને લાભ: ડાયમંડમાં જે સોફ્ટવેરનો ઉપયોગ કરાઈ છે તેમાંથી મોટેભાગના ઈઝરાયલના છે. તેવી રીતે ટેક્સટાઈલમાં પણ બહારના જ સોફ્ટવેર છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે 5 કરોડની સહાય કરાશે. સુરતમાં ઓછુ આર એન્ડ ડી થતું હતું. પણ હવે તેમાં પણ વધારો થશે.

રિયલ એસ્ટેટ : શહેરમાં હાલ માત્ર ત્રણ પ્રોજેક્ટ આઈટીને ધ્યાનમાં રાખીને બની રહ્યાં છે. સરકારની આઈટી પોલિસીને કારણે શહેરમાં આઈટી કંપનીઓની સ્થાપના કરવામાં આવશે. જેથી બિલ્ડરો આઈટી પોલિસી અંતર્ગત પ્રોજેકટો અમલમાં મુકશે. રિયલ એસ્ટેટમાં ગ્રોથ વધશે.

હવે પ્રેઝન્ટેશન રજૂ કરીશું
ચેમ્બરના પ્રમુખ આશિષ ગુજરાતી કહે છે કે, આઈટી પોલિસી જાહેર થતા સુરતને આઈટી પાર્ક મળવાનો રસ્તો બન્યો છે.હવે અમે પ્રેઝન્ટેશન બનાવી સરકારને રજૂ કરીશુ.

IT સેક્ટર ઓર્ગેનાઈઝ થશે
SGITCના પ્રમુખ ગણપત ધામેલિયાએ કહ્યું,મોટી આઈટી કંપની પોતાની કંપની શરૂ કરશે. આ સેક્ટર વધુ ઓર્ગેનાઈઝ થશે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *